ભારતની આદરણીય ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વૈંકયા નાયડુ 5 માર્ચ, 2021ના રોજ નવસારીમાં નિરાલી મલ્ટિ-સ્પેશિયાલ્ટી હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. આ હોસ્પિટલ આઠ એકરમાં પથરાયેલા એ એમ નાઇક હેલ્થકેર કોમ્પ્લેક્સમાં આકાર લેશે, જેની સ્થાપના લાર્સન એન્ડ ટૂબ્રોના ચેરમેન, દાનવીર અને પહ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત શ્રી એ એમ નાઇક દ્વારા સ્થાપિત નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ (એનએમએમટી) કરશે. આ હોસ્પિટલ શ્રી નાઇકની સમાજોપયોગી સફર અને સંપૂર્ણ સમુદાયને ઉત્કૃષ્ટ તબીબી સારવાર પ્રદાન કરવાના મિશનનો ભાગ છે.
આ 500-બેડ ધરાવતી હોસ્પિટલ દક્ષિણ ગુજરાત માટે આશીર્વાદરૂપ બનશે – આ વિસ્તાર સામાન્ય રીતે અદ્યતન તબીબી સારવારની દ્રષ્ટિએ ઓછી સેવા ધરાવે છે. આ હોસ્પિટલમાં અદ્યતન બહુશાખીય ઉપકરણ સામેલ હશે, જે દર્દીઓને ઉત્કૃષ્ટ હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરશે.
મલ્ટિ-સ્પેશિયાલ્ટી હોસ્પિટલ તરીકે આ કેન્દ્ર વિવિધ સેવાઓ પ્રદાન કરશે, જેમાં સામેલ છેઃ જનરલ મેડિસિન, જનરલ સર્જરી, કાર્ડિયોલોજી અને કાર્ડિયોથોરાસિક સર્જરી, નીઓનેટોલોજી સહિત પીડિયાટ્રિક્સ, ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનોકોલોજી, ઓર્થોપેડિક સારવાર, ક્રિટિકલ અને ટ્રોમા કેર.
આ હોસ્પિટલ ટૂંક સમયમાં ઉદ્ઘાટન થનાર નિરાલી કેન્સર હોસ્પિટલને લગોલગ હશે, જેનો શિલાન્યાસ વર્ષ 2019માં આદરણીય પ્રધાનમંત્રીએ કર્યો હતો. નિરાલી કેન્સર હોસ્પિટલ કેન્સરના દર્દીઓની સારવાર કરવા લિનીયર એક્સલરેટર, 3ડી મેમ્મોગ્રાફી, એક્સ-રે સુવિધા અને ન્યૂક્લીઅર મેડિસિન સહિત અદ્યતન સુવિધા ધરાવશે.
આ પ્રસંગે એ એમ નાઇકે કહ્યું હતું કે, “મેં દક્ષિણ ગુજરાતમાં, મારી જન્મભૂમિ અને મુંબઈમાં મારી કર્મભૂમિમાં સમાજોપયોગી સેવા કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમારું મિશન મોટી સંખ્યામાં લોકોને ઉત્કૃષ્ટ તબીબી સારવાર પ્રદાન કરવાનો છે.
શ્રી નાઇકે ઉમેર્યું હતું કે, “મને ખુશી છે અને ગર્વ છે કે, આ પ્રસંગે ઉપસ્થિત થવા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વૈંકયા નાયડુ સંમત થયા છે, જેના પરિણામે સામાન્ય લોકોને શ્રેષ્ઠ અને વાજબી દરે ટર્શરી હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવાનો માર્ગ મોકળો થશે.”
નવસારીમાં એ એમ નાઇક હેલ્થકેર કોમ્પ્લેક્સની અંદર હોસ્પિટલ ઉપરાંત નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ કામગીરીનો ઉત્કૃષ્ટ રેકોર્ડ ધરાવે છે, જેમાં મુંબઈના પવઈમાં મલ્ટિ-ડાઇગ્નોસ્ટિક સેન્ટરની સ્થાપના અને મોબાઇલ મેડિકલ યુનિટ સામેલ છે, જે કેટલાંક ગ્રામીણ જિલ્લાઓમાં સેવા આપે છે.
શ્રી એ એમ નાઇક તબીબી ક્ષેત્રમાં સમાજોપયોગી કામગીરી કરવા ઉપરાંત નાઇક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અને કૌશલ્યનિર્માણને પણ પ્રોત્સાહન આપે છે. ટ્રસ્ટે દક્ષિણ ગુજરાતમાં વિવિધ શાળાઓ, વલસાડમાં વિશિષ્ટ ‘વેદિક’ સ્કૂલ અને નવસારી નજીક ખારેલમાં કૌશલ્ય-તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે. આ તમામ તેમની રીતે સમાજની આવશ્યક જરૂરિયાતો પૂર્ણ કરે છે.